વિસા મેળવવા ખોટી માહિતી આપવા બદલ ભારતીયની ધરપકડ

પ્રોટેક્શન વિસા મેળવવા માટે ૩૨ વર્ષીય ભારતીય નાગરિકે ખોટી માહિતી આપી, આરોપ સાબિત થશે તો ૧૦ વર્ષ સુધીની જેલની સજા.

Man arrested for alleged migration fraud

Source: Wikipedia

ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે માઇગ્રેશન બાબતે કેટલાક કૌભાંડ કર્યા હોવાના આરોપમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે.

ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૩૨ વર્ષીય ભારતીય નાગરિકની માઇગ્રેશન એક્ટ ૧૯૫૮  હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેની પર ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને પ્રોટેક્શન વિસા મેળવવાનો આરોપ છે.

નિયમના 234 (1) (c) સેક્શન અંતર્ગત તેની પર ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા ઉપરાંત ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લાગ્યો છે.

તે ૬ઠી ડીસેમ્બર ૨૦૧૮ના રોજ બ્લેકટાઉન લોકલ કોર્ટ ખાતે હાજર થયો હતો જ્યાં તેના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સની તપાસના આધારે, ૨૦૧૫માં તેના પ્રોટેક્શન વિસા ફગાવી દેવામાં આવ્યા ત્યાર બાદ તે ખોટા નામ સાથે રહી રહ્યો હતો અને તે નામ પર તેણે ફરીથી પ્રોટેક્શન વિસા મેળવવા માટે અરજી કરી હતી.

ઓસ્ટ્રોલિયન બોર્ડર ફોર્સના ન્યૂ સાઉથ વેલ્સના સુપ્રીટેન્ડેન્ટ ઇન્વેસ્ટીગેશન્સ, ગેરી લોઉએ જણાવ્યું હતું કે, "જે લોકો વિસાની પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારની ગેરરિતી આચરવાનો પ્રયત્ન કરે છે તેમના માટે આ એક ચેતવણી છે."

"વિસા મેળવવા માટે જે લોકો ખોટી માહિતી આપે છે એ એક ગંભીર ગુનો છે."

જો આરોપીનો ગુનો સાબિત થશે તો તેને મહત્તમ ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૧ લાખ ૧0 હજાર ડોલર સુધીનો દંડ ફટકારાશે.

ભારતીય નાગરિક હવે ૧૨મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પેરામેટા લોકલ કોર્ટમાં હાજર થશે.

Share
Published 11 December 2018 3:09pm
By Vatsal Patel

Share this with family and friends