કોરોનાવાઇરસના પ્રતિબંધો વચ્ચે ઘરમાં જ ગરબા રમતા ઓસ્ટ્રેલિયાના ગુજરાતીઓ

ઓસ્ટ્રેલિયામાં શહેરોમાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે જાહેરમાં ગરબાનું આયોજન શક્ય ન બનતા ઘરમાં ગરબા રમ્યા ગુજરાતીઓ.

Members of the Gujarati community performs Garba at home

Source: Supplied

કોરોનાવાઇરસની મહામારીના કારણે વિશ્વના વિવિધ દેશોમાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. જેના કારણે જાહેર મેળાવડા રદ કરવાની ફરજ પડી છે.

ગુજરાતી સમુદાયના લોકપ્રિય તહેવાર એવા નવરાત્રીના આયોજનને પણ તેની અસર પહોંચી છે.

ગુજરાતમાં આ વર્ષે જાહેર સ્થળો પર નવરાત્રીનું આયોજન થશે નહીં તો બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં પણ વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન શક્ય બન્યું નથી અથવા ગરબા મર્યાદિત સંખ્યા સુધી સિમીત રાખવામાં આવ્યા છે.

જોકે, ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ગરબા રસીકોએ પ્રતિબંધોથી નિરાશ નહીં થઇને અલગ-અલગ યુક્તિ અજમાવીને ગરબા કરવાનું નક્કી કર્યું છે.
સિડનીના ગરબાચાહક નિકુંજ દોશીએ તેમના મિત્રો સાથે મળીને ‘જોય ઓફ ગરબા’ નામે એક પહેલ શરૂ કરી અને ઘરે જ ગરબા કરવાનું નક્કી કર્યું.ત્યાર બાદ વધુ મિત્રોને તેમાં રસ પડતા હવે આ ગ્રૂપ ‘સિડની ગરબા મીટઅપ’ના નામે ગરબાના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

નિકુંજે  SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિડનીમાં દર વર્ષે ગરબા યોજવામાં આવે છે પરંતુ આ વખતે તે શક્ય ન બનતા અમે મિત્રોએ ભેગા થઇને ઘરે જ ગરબા શરૂ કર્યા અને ત્યાર બાદ યૂટ્યૂબના માધ્યમથી તેને સફળતા મળતા હવે સિડનીમાં 23મી અને 24મી ઓક્ટોબરના રોજ કોરોનાવાઇરસના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને 100થી વધુની ક્ષમતા ધરાવતા  હોલમાં 60 ખેલૈયાઓ સાથે ગરબાનું આયોજન કરી રહ્યા છીએ.

બીજી તરફ, વિક્ટોરીયાના મેલ્બર્નમાં છેલ્લા 7 વર્ષથી નવરાત્રીનું આયોજન કરતા ‘ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા’એ આ વખતે રાજ્યમાં કોરોનાવાઇરસના કડક નિયંત્રણોના કારણે પ્રત્યક્ષ નવરાત્રિનું આયોજન કર્યું નથી પરંતુ તેઓ એક સ્પર્ધા દ્વારા વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરી રહ્યા છે.
Members of the Gujarati community performs Garba.
Source: Palak Patel
આ અંગે વાત કરતા આયોજક પલક પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે ભારતથી વિવિધ કલાકારોને મેલ્બર્નમાં આમંત્રિત કરીને ગરબાનું આયોજન કરીએ છીએ. આ ઉપરાંત છેલ્લા 3 વર્ષથી ગરબા ફ્લેશમોબનું પણ આયોજન કરવામાં આવતું હતું પરંતુ મેલ્બર્નમાં આ વર્ષે કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે તે શક્ય નથી.

તેથી જ, અમે વર્ચ્યુઅલ ગરબા કરવાનું નક્કી કર્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયાના તમામ શહેરોમાંથી દરેક ઉંમરના ગરબાચાહકો તેમના ઘરમાં, બેકયાર્ડમાં અથવા આઉટડોર સ્થાન પર ગરબા કરી સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.

ગુજરાતમાં નવરાત્રિનું આયોજન નહીં

ગુજરાતમાં પણ કોરોનાવાઇરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળો જેમ કે ક્લબ, પાર્ટી-પ્લોટ અને શેરમાં થતા નવરાત્રિના આયોજનને સરકારે પરવાનગી આપી નથી.

મળતી માહિતી પ્રમાણે, ગુજરાત સરકારે નવરાત્રિના અંગે નક્કી કરેલા નિયમો 16મી ઓક્ટોબર 2020થી અમલમાં આવશે.

જે અંતર્ગત, 200 લોકો જ એકસાથે એક કલાક માટે એકત્રિત થઇ શકશે. જેમાં ગરબી અને મૂર્તિની સ્થાપના તથા પૂજા કે આરતી કરી શકાશે પરંતુ ફોટો કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં.

આ ઉપરાંત પ્રસાદ વહેંચવાની પણ પરવાનગી આપવામાં આવી નથી.

Share
Published 16 October 2020 3:03pm
Updated 12 August 2022 3:16pm
By Nital Desai, Vatsal Patel

Share this with family and friends