બજેટ 2023-24: ઓસ્ટ્રેલિયાની વિસા ફીમાં વધારો, 70% વિસા સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને મળશે

કેન્દ્રીય ટ્રેઝરર જીમ ચાર્લમેર્સે મંગળવારે ઓસ્ટ્રેલિયાનું વર્ષ 2023-24નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. જેમાં આગામી સમયમાં વિવિધ વિસા માટે કરવામાં આવતી અરજીની ફી વધશે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નોકરીના કલાકોની મર્યાદા અને કુશળ કર્મચારીઓને પ્રાથમિકતા આપવા જેવી જાહેરાતો ટ્રેઝરરે કરી હતી.

Migrationto Australia

Source: AAP

કેન્દ્રીય ટ્રેઝરર જીમ ચાર્લમેર્સે મંગળવારે રાત્રે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. જે અંતર્ગત આગામી સમયમાં દેશની માઇગ્રેશન પ્રણાલીમાં કેટલાક ફેરફાર અને ફંડની ફાળવણીની જાહેરાત કરી હતી.

બજેટ અંતર્ગત વિવિધ વિસાશ્રેણી અને સ્કીલ્ડ માઇગ્રેશન સાથે સંકળાયેલી બાબતો પર એક નજર...

ઓસ્ટ્રેલિયન સરકારે દેશની માઇગ્રેશન પ્રણાલીને વધુ મજબૂત કરવા માટે ફંડની ફાળવણી કરી છે. સરકારના અનુમાન પ્રમાણે, મહત્વના ફેરફારો બાદ દેશમાં કુશળ કર્મચારીઓની અછતને પૂરી કરી શકાશે

જેથી, દેશના વેપાર - ઉદ્યોગો મદદ અને અર્થતંત્રને વેગ મળશે.
વર્ષ 2023-24ના માઇગ્રેશન કાર્યક્રમ અંતર્ગત, એલ્બનિસી સરકાર 190,000 વિસાની ફાળવણી કરશે. જેમાંથી 137,100 વિસા (લગભગ 70 ટકા વિસા) સ્કીલ્ડ વિસાની વિવિધ શ્રેણીને ફાળવવામાં આવશે.

બજેટના દસ્તાવેજના જણાવ્યા પ્રમાણે, માઇગ્રેશન કાર્યક્રમ દેશને જરૂરી કુશળ કર્મચારીઓની આપૂર્તિ કરવામાં મદદરૂપ સાબિત થશે. સરકારે તેથી જ સ્કીલ્ડ વિસા શ્રેણીને લગભગ 70 ટકા જેટલી બેઠકોની ફાળવણી કરી છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ

બજેટમાં જાહેર કરવામાં આવેલા નવા નિયમ અંતર્ગત, 1લી જુલાઇ 2023થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નોકરીના કલાકોની મર્યાદાનો નિયમ ફરીથી લાગૂ થઇ રહ્યો છે. મતલબ કે, તેઓ હવે પખવાડિયાના 48 કલાક નોકરી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 મહામારીના સમયે દેશમાં માઇગ્રેશન બંધ હતું અને કુશળ કર્મચારીઓની અછત હતી જેના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નોકરીના કલાકોની મર્યાદાનો નિયમ હટાવવામાં આવ્યો હતો. આ નિયમ હવે ફરીથી લાગૂ થશે.
International students
Source: Getty / Getty Images
સરકારે એજ કેરમાં નોકરી કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 31મી ડિસેમ્બર 2023 સુધી નોકરીના કલાકોની મર્યાદાનો નિયમ હટાવ્યો છે. તેમને પખવાડિયાના 48 કલાકનો નિયમ લાગૂ થશે નહીં.

અમુક ચોક્કસ ડીગ્રી ધરાવતા ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકોને તેમના પોસ્ટ સ્ટડી વર્ક વિસામાં વધુ 2 વર્ષનો ઉમેરો કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી જરૂરીયાત ધરાવતા ક્ષેત્રોમાં કર્મચારીઓની અછતને પૂરી કરી શકાય.
VISA FEES HIKE GFX.jpg
The budget contains application fee hikes for a number of visas. Source: SBS

વિસા ફીમાં વધારો

કેન્દ્રીય સરકારે વિસાની અરજીની ફીમાં વધારો કર્યો છે. સરકારે 1લી જુલાઇ 2023થી વર્તમાન ફી પર 6 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.

હવે ઓસ્ટ્રેલિયન વિઝીટર વિસાની ફીમાં 40 ડોલરનો વધારો થશે. વર્તમાન ફી 150 ડોલરથી જે 1લી જુલાઇથી 190 ડોલર થશે.

સ્ટુડન્ટ વિસાની ફીમાં 65 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં 650 ડોલર વિસા ફી પેટે ભરતા વિદ્યાર્થીઓ નવા નાણાકિય વર્ષથી 715 ડોલર ફી ભરશે.
visa application
Australian visa application form. Source: Getty / Getty Images
વર્કિંગ હોલીડે વિસાની ફી 510 ડોલરથી વધીને 640 ડોલર થશે. તેમાં 130 ડોલરનો વધારો કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

સરકારને વિસા ફીમાં વધારાને પગલે વર્ષ 2023-24માં 100 મિલિયન ડોલર અને આગામી પાંચ વર્ષમાં 665 મિલિયન ડોલરની આવક થશે.

વિસાની અરજી પર ઝડપથી નિર્ણય

બજેટમાં સરકારે વિસાની અરજીના ભરાવાનો ઝડપથી નિકાલ થઇ શકે તે માટે ફંડની ફાળવણી કરવાની જાહેરાત કરી હતી.

જે અંતર્ગત, વર્ષ 2023-24થી આગામી 2 વર્ષ માટે 75.8 મિલિયન ડોલરની ફાળવણી કરવામાં આવશે.

બજેટમાં જાહેર કરવામાં આવેલી માઇગ્રેશનની અન્ય બાબતો

કેન્દ્રીય સરકાર જોબ્સ એન્ડ સ્કીલ્સ સમિટમાં લેવામાં આવેલા નિર્ણયો અમલમાં મૂકવા માટે આગામી 4 વર્ષમાં 125.8 મિલિયન ડોલરનો ખર્ચ કરશે.

માઇગ્રેશન પ્રણાલી વધુ મજબૂત બને તથા તે યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે આગામી 4 વર્ષમાં સરકાર વધુ 50 મિલિયન ડોલરની ફાળવણી કરશે. સરકારે ઓક્ટોબર 2022-23માં જાહેર કરેલા બજેટમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્ર સરકાર વર્તમાન વર્ષની 14મી ફેબ્રુઆરી અગાઉ ટેમ્પરરી પ્રોટેક્શન વિસા (સબક્લાસ 785), સેફ હેવન એન્ટરપ્રાઇસ (સબક્લાસ 790) વિસાધારકો કે અરજીકર્તાને પર્મેનન્ટ રેસીડન્સીનો માર્ગ નક્કી કરી આપશે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 10 May 2023 11:20am
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends